માતા કૌશલ્યાના બાળ (થાળ)
માતા કૌશલ્યાના બાળ, પિતા દશરથના કુમાર
સતી સીતાના ભરથાર, જમવા પધારો મારે આંગણે ... હો મારે આંગણે
કેરી, કેળા, પપૈયા, સાકર શેરડી
લીલી દ્રાક્ષ, નારંગી અલબેલડી
દાડમ-દાણા છે સુમાર, આંબુ-જાંબુનો નહીં પાર
આલુ-અંજીર અપાર ... જમવા પધારે મારે આંગણે ... માતા
શીરો-પુરી જલેબી તખ્યાં ચુરમાં
ઘેબર-ઘારી તખ્યા છે ઘીના પુરમાં
કોડે કીધો છે કંસાર, ભાત કેસરિયાને દાળ
શાક તાજાં મજેદાર ... જમવા પધારે મારે આંગણે ... માતા
દર્શન માટે અધીરી બની આંખડી
ઉજવળ હૈયું જુએ છે તારી વાટડી
ભોજન કીધા છે તૈયાર, રૂડો અજવાળેલો થાળ
વહેતી ગંગાજીની ધાર ... જમવા પધારે મારે આંગણે ... માતા
તેડી લાવો લક્ષ્મણને સાથે જાનકી
જમ્યા પછી આરોગો બીડા પાનકી
અમૃત ઘરના છે જુહાર, સંશય રાખો નહીં લગાર
સુણી ભકતોનો પોકાર ... જમવા પધારે મારે આંગણે ... માતા